jhaD kani doDyun chhe - Geet | RekhtaGujarati

ઝાડ કાંઈ દોડ્યું છે

jhaD kani doDyun chhe

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
ઝાડ કાંઈ દોડ્યું છે
પ્રિયકાન્ત મણિયાર

કેટલી કેટલી ડાળના રસ્તા

કેટલાં કેટલાં પાનનાં પગલાં

ઝાડ કાંઈ દોડ્યું છે!

આભથી ઢોળાય સૂરજ રાતો

ઠારવા એને લઈ ને છાંયો

છાંયડે છાંયડે ઠારવા એને

ઝાડ કાંઈ દોડ્યું છે!

વરસે અપાર અષાઢશ્રાવણ

ખોબલે ખોબલે જલને કારણ

ઝાડ કાંઈ દોડયું છે!

ઓરસ ચોરસ શિશિર ઠરે

એક પછી એક પાંદડાં ખરે

ઝીલવા અને

ઝાડ કાંઈ દોડ્યું છે!

ધરતી આખી

પ્રગટે નહીં ચહેરો સકલ રૂપ

ફૂલનું પ્રગટ કરવા મધુર મુખ

લઈને વસંત વાટમાં એકલ

ઝાડ કાંઈ દોડ્યું છે!

ઉદર ઊંડી જઠર-જ્વાલા

તોષવા એને રસના પ્યાલા

લચતા પેલા ફુલના રૂપે

ઝાડ કાંઈ દોડ્યું છે!

નભની માંહી સમાઈ નહીં પાંખ

ડૂબતું કોઈ શોધતું જાણે દ્વીપ

લઈને લઘુક નીડ ત્યાં સામુ

ઝાડ કાંઈ દોડ્યું છે!

ધ્રૂજતું સકલ ધ્રૂજતી ધીરજ

વકરેલા કોઈ વાયરાનો ઉત્પાત

મૂળિયાંની ત્યાં મુઠ્ઠીઓ વાળી

ધરતી ભીતર ઝાડ કાંઈ દોડ્યું છે!

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ-2 (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973