યુગલ ગીત
yugal giit
ભરત જોશી 'પાર્થ મહાબાહુ'
Bharat Joshi 'Parth Mahabahu'

તમે નથી ઝાકળનાં ટીપાં
તમે અમારા દરિયા
સજની! અમે ભીતરમાં ભરિયા...
કમળફૂલની સૌરભ જેવાં
અજવાળાં પાથરિયાં
રસિયા! ભીતર તમે ઊતરિયા...
ફરફરતા મખમલી પવનમાં કેશ ઘટાઓ ફરકે
પાંપણની પરસાળે સજની! ટપટપ નીંદર ટપકે
સપનામાં સંતાઈ જઈને
મધરાતે પરહરિયા
રસિયા! કીકીમાં તરવરિયા...
કળીએ કળીએ ચાંદલિયાનું રેશમિયું જળ ઓઢ્યું
સરવરના તળિયે જઈ રસિયા! મૌન રૂપાળું પોઢ્યું
મેઘધનુની ચૂંદડી ઓઢી
અચરજ શું ઝરમરિયા
સજની! ઝાકળમાં અવતરિયા...



સ્રોત
- પુસ્તક : ઝાકળનાં ટીપાં (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : ભરત જોશી 'પાર્થ મહાબાહુ'
- પ્રકાશક : ZCARD Publication
- વર્ષ : 2023