Yuavanma bhari de - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

યૌવનમાં ભરી દે

Yuavanma bhari de

ચુ. ડા. પાટડિયા ચુ. ડા. પાટડિયા
યૌવનમાં ભરી દે
ચુ. ડા. પાટડિયા

સહસ્ર કિરણે સૂરજ પ્રગટે

ચેતન ચોમેર;

આભામંડળ પ્રભા પાથરી

એક કિરણ રવિદેવ!...

મારા યૌવનમાં ભરી દે:

યૌવન તેજોમય કરી દે.

સહસ્ર કળાએ શરદ પૂનમનો

ચન્દ્ર ચડે આકાશ;

શીતળતાના સાગર! મારે

એક કળાની આશ...

મારા યૌવનમાં ભરી દે :

યૌવન કળાયલ કરી દે.

સહસ્ર પાંખડી ખીલવીખીલવી

પીમળભર પ્રત્યેક

સુહાય પંકજ સરવર કંઠે;

એક પાંખડી એક...

મારા યૌવનમાં ભરી દે :

યૌવન સૌરભમય કરી દે.

સહસ્ર ધારથી વાદળી વરસે

સૌમ્ય સુધારસ પાન;

આપ આપ, હૈયાકુમળી!

એક બિન્દુનું દાન...

મારા યૌવનમાં ભરી દે :

યૌવન અમૃતમય કરી દે.

(અંક ૩૦)

સ્રોત

  • પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 12)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1991