યશોધરા
yashodharaa
વિજય રાજ્યગુરુ
Vijay Rajyaguru

બુદ્ધ બનીને આવો —
પહેલી ભિક્ષા લેવા પગલાં મારે દ્વારે લાવો
સ્વામી! બુદ્ધ બનીને આવો...
સુત-દારાને સૂતાં મૂકી, તસ્કર પેઠે છટક્યા!
વાત ન કીધી, રજા ન લીધી, એ વર્તન મન ખટક્યા!
હવે આંખથી રીસ વહી ગઈ કરપાતર લંબાવો!
સ્વામી! બુદ્ધ બનીને આવો...
તમે જગત માટે ઘર ત્યાગ્યું, એ જ માપથી માપું!
ઘડપણનો આધાર ધરી દઉં, રાહુલ તમને આપું!
સુન્ન ભવનમાં, ખાલી મનમાં, રણઝણ જ્યોત જગાવો!
સ્વામી! બુદ્ધ બનીને આવો...
પ્હેલી ભિક્ષા લેવા પગલાં મારે દ્વારે લાવો
સ્વામી! બુદ્ધ બનીને આવો...



સ્રોત
- પુસ્તક : જાળિયે અજવાળિયું (પૃષ્ઠ ક્રમાંક 30)
- સર્જક : વિજય રાજ્યગુરુ
- પ્રકાશક : રવિ- મંગલ પ્રકાશન, ભાવનગર
- વર્ષ : 2018