યાદ કરીને કો'ક વેળાએ
Yaad Kari ne Kok Velae
હર્ષદ ચંદારાણા
Harshad Chandarana
હર્ષદ ચંદારાણા
Harshad Chandarana
યાદ કરીને કો'ક વેળાએ ક્યાંક જોયેલા ઘાસને લણું
હાથમાં છે રણ, કેટલા ઢૂવા
આંખના ખાલીખમ છે કૂવા
જીભ તે જાણે તરણું કોરું
ધૂળ પીધેલું આભ છે ઓરું
ધોમ બપોરે માથા ઉપર કેટલા સૂરજ ઊગતા ગણું
યાદ કરીને કો'ક વેળાએ ક્યાંક જોયેલા ઘાસને લણું
ચૂંદડી લીલીચોળ ઓઢીને
ઘાસનું મેદાન ક્યાંય દોડીને
સાંજમાં ડૂબ્યું સાંજ રે ડૂબી
આંખમાં ડૂબ્યું આંખ રે ડૂબી
સાવ ડૂબેલી સાંજના આછા -
સાવ ડૂબેલી આંખના પાછા રેત મથ્થાળે પાળિયા ચણું
યાદ કરીને કો'ક વેળાએ ક્યાંક જોયેલા ઘાસને લણું
સ્રોત
- પુસ્તક : કવિતા - જૂન, 1981 (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
