widay - Geet | RekhtaGujarati

સજન, મે હસતાં લીધી વિદાય,

નયનમાં છલકાવી અરુણાઈ,

છતાં મન કહી રહે મલકાઈ

હવે બે આંખ મળે તો કહેજો.

સમયની મહામૂલી સોગાત

વીખરતી જાણે રાતોરાત,

ઊભરતી રહીરહીને એક વાત

કે હૈયું ક્યાંય હળે તો કહેજો.

ક્યાંક તું હતી, ક્યાંક તું હોત,

ફૂલ પર ઝીણું ઝાકળપોત,

સૂરજની સામે સળગે જયોત,

બરફ ક્યાંય ગળે તો કહેજો.

મિલન મેં વિરહભોમમાં વાવ્યું,

ફળ ક્યાંય ફળે તો કહેજો.

(૧૯ -૧ર-૧૯૬૯)

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 2