whetun na melo - Geet | RekhtaGujarati

વ્હેતું ના મેલો

whetun na melo

સુરેશ દલાલ સુરેશ દલાલ
વ્હેતું ના મેલો
સુરેશ દલાલ

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!

સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી

કે ખાલી બેડાંની કરે વાત;

લોકો કરે છે શાને દિવસ ને રાતડી

મારા મોહનની પંચાત?

વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી! ક્યાં ગઈ'તી આમ?

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!

કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ?

એની પૂછી પૂછીને લિયે ગંધ;

વહે અંતરની વાત તો આંખ્યુંની ભૂલ,

જોકે હોઠોની પાંખડીઓ બંધ.

મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 355)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004