whalapanun nam - Geet | RekhtaGujarati

વ્હાલપનું નામ

whalapanun nam

સુધીર દેસાઈ સુધીર દેસાઈ
વ્હાલપનું નામ
સુધીર દેસાઈ

વ્હાલપનું નામ એ તો મધમીઠું નામ

એને બોલું તો કેમ કરી બોલું?...

ઉરનું આ દ્વાર એ તો પ્રીતમનું ધામ

એને ખોલું તો કેમ કરી ખોલું?...

તમે બોલ્યાં જ્યાં નામ હું તો ભૂલી પડી;

હું તો શમણાંમાં ક્યાંક ક્યાંક ઘૂમી વળી;

અરે! મનથી એ નામ મીઠું ચૂમી વળી!

સોનાનું નામ મારું પાડેલું નામ.

એને બોલું તો કેમ કરી બોલું?...

મારા મનની મંજૂષાની મોંઘી મૂડી;

કોઈ બોલે જ્યાં નામ મારી ખણકે ચૂડી;

મને પાંખો ફૂટે ને હું તો જાઉં ઊંડી.

મનના ગોકુળિયામાં નટખટનું નામ

એને બોલું તો કેમ કરી બોલું?...

વ્હાલપનું નામ એ તો મધમીઠું નામ

એને બોલું તો કેમ કરી બોલું?...

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008