weran mindDi - Geet | RekhtaGujarati

વેરણ મીંદડી

weran mindDi

સુન્દરમ્ સુન્દરમ્
વેરણ મીંદડી
સુન્દરમ્

આદમ, તને મીંદડી રે

મધરાતે વેરણ થઈ,

આદમ, તને મીંદડી વેરણ થઈ. ધ્રુવ0

પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ,

ઉંદરભાઈ તે ખાવા રાતરે આવ્યા ધૂબાધૂબ,

શી ઘરમાં દોટંદોટા થઈ. આ૦

છાપરામાંથી કાણું કરી ત્યાં આવ્યાં બિલ્લીબાઈ,

જાળવી માર્યો ભૂસકો તો યે પડી પથારીમાંહિ,

પીંજારણ કૂદવા લાગી ગઈ. આ૦

દીવાસળીનું ઠેકાણું મળે, દીવામાં દીવેટ નહિ. ૧૦

આદમ બાપડો રતાંધળો, ને પીંજારણ તો રઘવાઈ,

નાનો ત્યારે અલિયો ઉઠયો ધાઈ. આ૦

અલિયે ઊઠી લાકડી લીધી, દોડ્યો રસોડા મેર,

ચાર પૈસાની હાંડલી આણી મેલી'તી ચૂલાની બેડ,

અલિયાએ લાકડી ત્યાં ઘુમાઈ. આ૦

ઉંદર નાઠા, બિલ્લી નાઠી, સમકારો જ્યાં કીધો,

બેડ ઉપરની હાંડલી ઉપર અલિયે ફટકો દીધો,

બિચારી હાંડલી ભાંગી ગઈ. આ૦

હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું. વાસણ રહ્યું કાંઈ,

કાલ શું મેલવું રાંધવા વાસણ ચિત્તમાં ચિંતા થઈ, ર૦

આદમને નીંદરા વેરણ થઈ. આ૦

(પ સપ્ટેમ્બર, ૧૯૩૧)

સ્રોત

  • પુસ્તક : કાવ્યમંગલા (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1933