weer jatindrnan sambharnan - Geet | RekhtaGujarati

વીર જતીન્દ્રનાં સંભારણાં

weer jatindrnan sambharnan

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
વીર જતીન્દ્રનાં સંભારણાં
ઝવેરચંદ મેઘાણી

રણશિંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ,

તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ;

સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા,

હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા,

ઘાવ પર ઘાવ નવ ખડગના ખણખણ્યા,

યુદ્ધ-ઉન્માદના નાદ નવ રણઝણ્યા.

વિણ ઉન્માદે વીર તેં દીધો દેહ ધરી

બિન્દુ બિન્દુ રક્તનાં રિપુને દીધ ગણી;

બિન્દુએ બિન્દુએ રક્ત દીધાં ગણી,

ચૂકવી પલપલે દેહની કણીકણી,

મૃત્યુને ગણ્યું તેં ગોદ માતા તણી;

કે શું પ્રિયમિલનની રાત સોહામણી?

આવે મંગળ અવસરે, કોણ વિલાપ કરે!

કાયરતાને આંસુડે કોનાં નેન રડે!

વેગળી જાઓ રે અશ્રુની વાદળી!

વીરનાં તેજને નવ રહો આવરી;

નીરખવા દો મુને લાખ નયનો કરી,

આકૃતિ-જ્વાલ બાલની અણઠરી.

ગગનવિદારણ રાતના ગાજો નંદન-ઘોષ!

ઉત્સવ-દિન આપણ ઘરે; અરિજનને અફસોસ;

અરિજનો થરથરે એહવી ઘોષણા

ગરજી ગરજી ભરો ગગનનાં આંગણાં,

ઊઠ રે ઊઠ, તરુણ કોડામણા!

વીરનાં વાંચ શોણિત-સંભારણાં.

વણગાયાં ક્યમ વીસરીએ બહુમૂલાં બલિદાન,

ગાશું ઘરઘર ઘૂમતાં એનાં અર્પણગાન;

ગાઓ રે બેનડી, વીરને વારણે,

ગાઓ રે માવડી, પુત્રને પારણે,

બંદીજન, ગાઓ બિરદાઈ સમરાંગણે,

ભક્તજન, ગાઓ મંદિરને બારણે,

તારી ટેક ત્યજાવવા મથનારા કંગાલ,

કાળાં મુખ નીચાં કરી ફૂટે વ્યર્થ કપાળ;

ફૂટતા કપાળો ક્રૂર કંગાલ એ,

તાહરાં શાંત વીરત્વ, નીરખી રહે,

‘હાય! હા હારિયા,’ દાંત ભીંસી કહે,

અણનમ્યા વીરને જાલિમો ક્યમ સહે.

બાણપથારી ભીષ્મની, દધીચિનાં વપુદાન,

મોરધ્વજે કરવત-સહ્યાં3 ઇતિહાસી ગાન;

જીર્ણ ઇતિહાસનાં ગાન વીસરિયાં,

જુદી ભાવનાના થરોથર થયા,

નવેલા શૌર્ય-આદર્શ તેં સ્થાપિયા,

સમર્પણનાં નવાં મૂલ તેં આંકિયાં.

ઝીલો ઝીલો મલકતાં જાલિમ તણા પ્રહાર,

લાલ કસુંબલ રક્તની ફૂટે શોણિત-ધાર;

પ્રહારે પ્રહારે ઉર-પતાળો ફૂટે,

કસુંબલ રંગની રક્ત-છોળો છૂટે,

મૃત્યુ-ભયના કૂડા લાખ બંધો તૂટે,

પાળ ફોડી અને પ્રાણનદ ઊમટે.

રજ રજ નોંધી રાખશું હૈયા બીચ હિસાબ,

અવસર આવ્યે માગશું કિસ્મત પાસ જવાબ;

માગવા જવાબો એક દિન આવશું,

ભૂખરી પતાકા સંગમાં લાવશું,

અમારા રક્તના હોજ છલકાવશું,

માતનો ધ્વજ ફરી વાર રંગી જશું.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997