waliyo luntayo - Geet | RekhtaGujarati

વાલિયો લુંટાયો

waliyo luntayo

અશોક ચૌધરી અશોક ચૌધરી
વાલિયો લુંટાયો
અશોક ચૌધરી

તારા ને મારા અર્થો જુદા

મટી મુક્ત, થયો હું ગુલામ રે...તારા ને મારા...

લોકશાહી કેરાં રાજ થયાં,

ગયાં જર જમીન ને જોરુ રે...તારા ને મારા...

કુદરત તણા અહીં માલિક થયા

થયા અમલદાર ને વેપારી રે...તારા ને મારા...

વેપાર નફાના ત્રાગડા રચ્યા

મૂડીદારે ચલાવી સફેદ લૂંટ રે...તારા ને મારા...

ઘી, દૂધ, અનાજના ભંડાર ભર્યા

કોણ રળે ને કોણ ખાય રે...તારા ને મારા...

ભૂખમરાનો હું રોગી થયો

તેથી લીધી મેં બે ડૂંડાં જાર રે...તારા રે મારા...

વસ્ત્ર વણીને હું લાજે મર્યો

તેથી લૂંટ્યો કપાસ પાંચ શેર રે...તારા ને મારા...

બંગલા બાંધીને હું ઘર વિણ રહ્યો

તેથી લાકડાં કાપ્યાં મેં બે ચાર રે...તારા ને મારા...

રક્ષણ કાજે તેં પોલીસ આણી

તેણે લૂંટી મારી મા બહેન રે...તારા ને મારા...

ન્યાય અપાવવા કાનૂન કર્યા

ખોલી ખાટકીની દુકાન રે...તારા ને મારા...

મત આપીને દરબાર ભર્યા

ત્યાં બેઠા ચોર ને લૂંટારા રે...તારા ને મારા...

અમ વિદ્રોહીઓને ડાકુ કહ્યા

કોણે લૂંટ્યું અમારું નૂર રે...તારા ને મારા...

અજવાળે અહીં અંધકાર થયા

લૂંટાયો વાલિયો લૂંટારો લે...તારા ને મારા...

1981માં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આદિવાસીઓ પર જમીનદારો-પોલીસો અને સત્તાધારીઓએ ભેગા મળી દમનચક્ર ચલાવ્યું તે સંદર્ભે લખાયેલું કાવ્ય.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981