waishakhi dawanal, aawo! - Geet | RekhtaGujarati

વૈશાખી દાવાનલ, આવો!

waishakhi dawanal, aawo!

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
વૈશાખી દાવાનલ, આવો!
ઝવેરચંદ મેઘાણી

વૈશાખી દાવાનલ! આવો, દિલદાર!

ચોગમ હુતાશન ચેતાવો, દિલદાર!

રંકોનાં બાળ હજુ થોડીથોડી છાયા

ગોતીગોતીને રહ્યાં રક્ષી નિજ કાયા :

ધરતી નાની ને જનો જાય ઊભરાયાં.

સાત નવા સૂરજ બોલાવો. દિલદાર!

પાંદ પાંદ ઝાડનાં જલાવો, દિલદાર!

સહરા-બસ, સહરા પથરાવો, દિલદાર!

વૈશાખી દાવાનલ! આવો. દિલદાર!

ક્રોડો કંગાલ હજુ કેમ કરી જીવે!

અરધી રોટી-ને ઉપર પાણી ઘૂંટ પીવે!

શીતળ રાતોમાં સુખે ભોંય પડી સૂવે!

રાત્રિની ઠંડક સળગાવો, દિલદાર!

લાવાની નદીઓ રેલાવો, દિલદાર!

ભૂકમ્પે ડુંગર ડોલાવો, દિલદાર!

વૈશાખી દાવાનલ! આવો, દિલદાર!

હજુયે બેકાર નાર શિરે સાળુ નાખે!

ધાવંતા બેટાને પાલવડે ઢાંકે!

થીગડયાગડ કરીને દેહ-લાજ રાખે!

ક્યાંથી ફાજલ ટુકડાઓ, દિલદાર!

ફાજલ સબ સાયબી જલાવો, દિલદાર!

વંટોળા-આંધી ફરકાવો, દિલદાર!

વૈશાખી દાવાનલ! આવો, દિલદાર!

જનની નિજ બાળને હજુ ખાઈ જાતી!

હજુયે ટપકે સફેદ નીર એની છાતી!

હજુ એની રક્તધાર રાતી ને રાતી!

છેલ્લાં અમૃત શોષાવો, દિલદાર!

દિલ દિલ વિષ-વેલડીઓ વાવો, દિલદાર!

કુદરતના ક્રમ સબ પલટાવો, દિલદાર!

વૈશાખી દાવાનલ! આવો, દિલદાર!

ખુલ્લે પગ માનવી મદાંધ બની ચાલે;

ધખતે મધ્યાહન મોજ વગડાની મ્હાલે:

ચરણોનાં હાડચામ હજુ કેમ હાલે!

લાવો રે અદકાં દૂખ લાવો, દિલદાર!

રંકોની ધીરજ સબ ખાઓ, દિલદાર

પામરતા પ્રભુની દિખલાવો, દિલદાર!

વૈશાખી દાવાનલ! આવો, દિલદાર!

નિર્જલ દુષ્કાળ, મહારોગ, મહામારી;

નરનારી બાળકોની જૂજવી બીમારી

જગવો! ઘર ઘર કરો કૃતાંતની પથારી.

નિર્બલને જીવવા દાવો, દિલદાર!

રિદ્ધિવંતોનાં ગીત ગાઓ, દિલદાર!

જગને જનભીડથી બચાઓ, દિલદાર!

થોડાં બડભાગીને વસાવો, દિલદાર!

વૈશાખી દાવાનલ! આવો, દિલદાર!

ચોગમ હુતાશન ચેતાવો, દિલદાર!

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997