wahetan wriksh pawanman - Geet | RekhtaGujarati

વહેતાં વૃક્ષ પવનમાં

wahetan wriksh pawanman

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
વહેતાં વૃક્ષ પવનમાં
રઘુવીર ચૌધરી

નીલ ગગન પર્વત નીંદરમાં

ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં.

યુગ યુગથી જે બંધ અવાચક

કર્ણમૂલ ઊઘડયાં શંકરનાં,

જટાજૂટથી મુક્ત જાહ્નવી

રમે તરવરે સચરાચરમાં;

ધરી સૂર્યનું તિલક પાર્વતી

સજે પુષ્પ કાનનમાં. ખળખળ વહેતાં.

શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,

ધરા શ્વસે કણ કણમાં.

વરસ્યા બારે મેઘ ઝળૂંબી

ઊગ્યાં દેવતરુ રણમાં.

તાંડવની સ્થિર મુદ્રા આજે

લાસ્ય ચગે ત્રિભુવનમાં. ખળખળ વહેતા.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 286)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004