wagDo warnagi - Geet | RekhtaGujarati

વગડો વરણાગી

wagDo warnagi

મીનપિયાસી મીનપિયાસી
વગડો વરણાગી
મીનપિયાસી

આ વગડો શો વરણાગી છે!

શતવિધ એની શોભા કેરી લગની મુજને લાગી છે,

આ વગડો શો વરણાગી છે!

આવળ, બાવળ, ખીજડા, હરમા દેખી મનડું મોહ્યું છે,

ધૂળ અને ઢેફાંની પ્રીતે હૈયું હરખી રોયું છે,

અવનીપટના અણુ અણુ સંગે ઉર મારું અનુરાગી છે.

આ વગડો શો વરણાગી છે!

તરણાંની કાયાના રંગો, ફૂલો પણ મેં દીઠાં છે,

વન વનનાં પંખીનાં ગીતો માણ્યાં કેવાં મીઠાં છે!

સુંદરનાં દર્શનને કાજે, આતુરતા નિત જાગી છે.

આ વગડો શો વરણાગી છે!

પાનખરે સૂના વગડામાં ઉર મારું ભીંજાયું છે,

વંટોળે વાયુની મીઠી વહાલપમાં વીંઝાયું છે,

વગડામાં વસ્તી દેખીને, વસ્તીને મેં ત્યાગી છે.

આ વગડો શો વરણાગી છે!

સ્રોત

  • પુસ્તક : ઝૂલ ઝાલાવાડ ઝૂલ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ડૉ. રમણીકલાલ મારુ, રમેશ આચાર્ય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2016