રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઢોલ ઓશીકે, વડલા હેઠળ, ઊંઘતો ઓલ્યો કાળીયો ઢોલી;
લોકશાહીમાં રાજકર્તાઓને ચૂંટવાવાળો કાળીયો ઢોલી!
સોળ શણગારે સજ્જ ગોરીઓ, ચીંથરેહાલ ઓલ્યો કાળીયો ઢોલી;
ગરબે ઘૂમે ગૌરીઓ ત્યારે ઢોલ વગાડે કાળીયો ઢોલી!
હૈયા હિલ્લોળે હાથની જેડી, નાચ નચાવે કાળીયો ઢોલી;
શૂરવીરોને શૂર ચઢાવે, બૂંગિઓ ગજવી કાળીયો ઢોલી!
મંગળકામે મુહૂર્તવેળા, આંગણિયામાં કાળીયો ઢોલી;
છેલ્લી વેળાએ ડાઘુઓ લારે, ઉઘાડપગો કાળીયો ઢોલી!
મડદાં પરનાં કફન-કાઠી, ઓઢનારો ઓલ્યો કાળીયો ઢોલી;
સ્વચ્છ શેરીઓ સાવરણાથી, કરતો કાયમ કાળીયો ઢોલી!
એઠું જુઠું વાળું માંગી પેટડું ભરતો કાળીયો ઢોલી;
ગાળ તુંકારા તોછડાઈથી ટેવાઈ ગયેલો કાળીયો ઢોલી!
“અન્નદાતા, માઈબાપ અમારા”, હાથ જોડી કહે કાળીયો ઢોલી;
ખાસડું માર્યું, સાફ કરીને, આપે પાછું કાળીયો ઢોલી!
ભૈઠ વગરની વાતમાં હસતો, ચાપલૂસી કરે કાળીયો ઢોલી;
ફરકે આંખડી ઉજળિયાતની ફફડી મરતો કાળીયો ઢોલી!
મહેનતાણા વિના રાત ને દા’ડો, વેઠ કરે ઓલ્યો કાળીયો ઢોલી;
માટીગારાને ઘાસપુળાની, ઝૂંપડીવાળો આ કાળીયો ઢોલી!
સર્વ દુઃખોને ભૂલવા માટે, ઢીંચતો દારૂ કાળો ઢોલી;
વાંક વિના બાયડી છોરાંને, ધીબતો ધોકે કાળીયો ઢોલી!
લોકશાહીમાં રાજકર્તાઓને, ચૂંટવાવાળો આ કાળીયો ઢોલી;
ઢોલ ઓશીકે, વડલા હેઠળ, ઊંઘતો રહ્યો આ કાળીયો ઢોલી!
સ્રોત
- પુસ્તક : હાચ્ચે હાચ્ચુ, બોલનઅ ફાડ્યા? (પૃષ્ઠ ક્રમાંક 85)
- સર્જક : શંકર પેન્ટર
- પ્રકાશક : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન
- વર્ષ : 2010