રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર,
અને ઉપરથી ગોપીઓ ને રાધા...
અહીં મારે તો જીવવાના વાંધા...
આંખોની પથરાળી ધરતીમાં વૃંદાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?
ભાંભરડા દેતી આ ભૂખી ઇચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?
આયખે વલોવાતાં એક એક દા’ડાને માગી માગીને મેં ખાધા
અહીં મારે તો જીવવાના વાંધા...
પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર? એનું કારણ એ રાજાની રાણી
નજરે ના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચતાણી
ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે ને તોય કરવાના રોજ રોજ સાંધા?
અહીં મારે તો જીવવાના વાંધા...
ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી
મેં તો આ પ્હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી
ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
અહીં મારે તો જીવવાના વાંધા...
સ્રોત
- પુસ્તક : પ્રહાર (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : કૃષ્ણ દવે
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2019
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ