angnani bahar - Geet | RekhtaGujarati

આંગણાની બહાર

angnani bahar

જગદીશ જોશી જગદીશ જોશી
આંગણાની બહાર
જગદીશ જોશી

યાતનાનાં બારણાને કીધાં મેં બંધ

અને ઉઘાડી એકએક બારી

જાગીને જોઉં છું તો વહેલા પ્રભાતે

કેવી કિરણોની ઝરે ફૂલ-ઝારી!

આંગણાની બ્હાર એક ઊભું છે ઝાડ

એની ડાળ ઉપર પાંદડાંનાં પંખી

ઝાડના લીલા તળાવતણા તળિયે તો

ભૂરું આકાશ ગયું જંપી!

વ્હૈ જાતી લ્હેરખીએ બાંધ્યો હિંડોળો

એને તારલાથી દીધો શણગારી.

ક્યાંકથી અદીઠો એક પ્રગટ્યો છે પ્હાડ

એની પછવાડે જોઉં એક દેરી

તુલસીના કયારાની જેમ મારા મનને હું

રાત-દિવસ રહું છું ઉછેરી:

રાધાનાં ઝાંઝરને વાંસળીના સૂર રોજ

જોયા કરે છે ધારી-ધારી.

સ્રોત

  • પુસ્તક : આકાશ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : જગદીશ જોષી
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1972