kem jiwashe? - Geet | RekhtaGujarati

કેમ જિવાશે?

kem jiwashe?

પારુલ ખખ્ખર પારુલ ખખ્ખર
કેમ જિવાશે?
પારુલ ખખ્ખર

થોરની માથે ખરતાં પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય... આનાથી કેમ જિવાશે?

પાંચમે ઘરે ઠામડાં ધોતી, જીવલી ડોશી જોઈને થ્યુ કે હાશ... એનાથી આમ જિવાશે.

થોરની માથે પાંદડું બેઠું એમ કે જાણે હોય પોતે બે ગામનો સૂબો

જીવલી ડોશી હડિયાપાટી કરતી મૂકે પગ રે ત્યાં તો મલકે કૂબો

પાંદડું-ડોશી, પાંદડું-ડોશી, પાંદડું-ડોશી એકમેકને હાકલા દેતાં જાય કે...

મારી જેમ જિવાશે

થોરની માથે ખરતાં પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય... આનાથી કેમ જિવાશે?

પાંદડાને જોઈ ડોશલી કે’તી ‘સાંભળ વીરા, સુખદુઃખ તો રેલના પાટા’

ડોશલીને જોઈ પાદડું કે’તું ‘વાહ રે જીવીબાઈ તમારા સીનસપાટા!’

વાંકલી ડોશી, પાંદડું પીળું રેલના પાટે મોજથી હાલ્યા જાય ને કે’તા જાય કે...

જોવો, આમ જિવાશે

થોરની માથે ખરતાં પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય... આનાથી કેમ જિવાશે?

એક ’દી જાહલ પાંદડું આભે ઊડિયું અંતરિયાળ રે કાળા કાળની ફૂંકે

ડોશલી હાડોહાડ અવાચક થાય ને પાછી કળ વળે ત્યાં ઠૂંઠવો મૂકે

‘થોભજે વીરા, આંધળીના આધાર' બોલીને પટ ધુમાડો થાય ને કે’તી જાય કે...

હારોહાર જિવાશે

થોરની માથે ખરતાં પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય... આનાથી કેમ જિવાશે?

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.