હોળીમહિનાની વિજોગણ
holimahinaanii vijogan
બાલમુકુન્દ દવે
Balmukund Dave

આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ,
સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ!
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ખીલ્યાં કેસૂ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ!
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
હોળીમહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું નિર્દે નાવલા! તને કેમ ગમે પરદેશ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
રાતે વસમી ચાંદની ને દા'ડે વસમી લૂ!
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?



સ્રોત
- પુસ્તક : બૃહદ્ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2010