vivaahnii vardhomaan varnii tarafthii gaavaanun geet - Geet | RekhtaGujarati

વિવાહની વરધોમાં વરની તરફથી ગાવાનું ગીત

vivaahnii vardhomaan varnii tarafthii gaavaanun geet

દલપતરામ દલપતરામ
વિવાહની વરધોમાં વરની તરફથી ગાવાનું ગીત
દલપતરામ

લાડો ચતુર ચીતારાને વિનવે; જો તું આજ

રાજનગર જાય, ચતુર ચીતારા તને વિનવું;

રાણો કનકસેન વસે છે તહાં; તેને ઘેર છે કુંવારી

કન્યાય, ચતુર ચીતારા તને વિનવું.

એનું રૂપ છે કેવું રળિયામણું; એની લાખેણી છબી

લખી લાવ, ચતુર ચીતારા તને વિનવું;

કેવી ભણેલી ગણેલી કેવી ડાહી છે, તે તપાસીને

તું અહીં વ્હેલો આવ, ચતુર ચીતારા તને વિનવું.

મારી છબી તને આપું તે તું લઈ જજે; પત્ર લખી

મોકલીશ તુજ સાથ, ચતુર ચીતારા તને વિનવું;

તે તું છબીલીને છાની રીતે આપજે; મારા હાથનો

લખેલો હાથો હાથ, ચતુર ચીતારા તને વિનવું.

લખી આપે તો કાગળ લેતો આવજે; સારા મુખના

લે આવે સમાચાર, ચતુર ચીતારા તને વિનવું;

તે તો છાની રીતે મને સમજાવજે; જેમ કોઈએ

જાણે નર નાર, ચતુર ચીતારા તને વિનવું;

આવી શકે તેમ ઉતાવળો આવજે; વધુ દિવસ

વિલંબ કરીશ, ચતુર ચીતારા તને વિનવું;

તારે માટે તરસશે મન માહરૂં; વારોવાર તારી વાટ

જોઈશ, ચતુર ચીતારા તને વિનવું.

એક આવ્યો હતો પરદેશી પંખીડો; તેણે વિવિધ

કર્યાં તેનાં વખાણ, ચતુર ચીતારા તને વિનવું;

માટે એની છબી જોવાની ઇચ્છા થઈ; જોજે સુંદરી

તે કેવી છે સુજાણ, ચતુર ચીતારા તને વિનવું.

કેવી ધર્મ ઉપર તેની ધાંખના, કેવા કર્મ ઉપર તેને

કોડ, ચતુર ચીતારા તને વિનવું.

કેવી સાહેલિયો છે તેના સાથમાં; કે' છે નથી એમાં

કાંઈ ખામી ખોડ, ચતુર ચીતરા તને વિનવું.

આજ અહીંથી તું સાંચર ઉતાવળો; ભાળી આવ

એની કેવી રીતભાત, ચતુર ચીંતારા તને વિનવું;

એના ડહાપણની એના રૂપ રંગની, મને કે'જે

યથારથ વાત, ચતુર ચીતારા તને વિનવું.

ઘણી વિધે તને કહું શું ઘણું ઘણું, થોડું કહે ઘણું જાણજે

જરૂર, ચતુર ચીતારા તને વિનવું;

એના જેવા હોય તેવા ગુણ જાણવા, અતિ આતુરતા

વધી મારે ઉર, ચતુર ચીતારા તને વિનવું.

પાંચ લોકને અજાણ્યો થઈ પૂછજે, કેવી વસ્તીમાં

ચાલે છે તેની વાત, ચતુર ચીતારા તને વિનવું;

શાણો થઈને તું સરવ પ્રકારથી, ભેદ જાણી લેજે ભલી

રીતે ભ્રાત, ચતુર ચીતારા તને વિનવું.

બાળપણાનો તું મારો બાળમિત્ર છે; વશ્યો મારે મન

તારો વિશવાસ, ચતુર ચીતારા તને વિનવું;

માટે આજ મારૂં કામ કર એટલું; મારા અંતરની

પૂરી કર આશ, ચતુર ચીતારા તને વિનવું.

ખરા મિત્રની પરીક્ષા તો ત્યારે પડે; જ્યારે કંઈ પણ

પડે તેનું કામ, ચતુર ચીતારા તને વિનવું;

ઘણા સ્વારથિયા મિત્ર તો સંસારમાં, દીસે દુનિયામાં

દલપતરામ, ચતુર ચીતારા તને વિનવું.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002