ashaDh - Geet | RekhtaGujarati

રે આજ આષાઢ આયો,

મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો!

દૂરને દખ્ખણ મીટ માંડીને

મોરલે નાખી ટ્હેલ,

વાદળી સાગરસેજ છાંડીને

વરસી હેતની હેલ;

એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો!

મેઘવીણાને કોમલ તારે

મેલ્યાં વીજલનૂર,

મેહુલાએ ત્યાં જલની ધારે

રેલ્યા મલ્હારસૂર;

એથી ધરતીને અંગ રંગઉમંગ માયો!

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,

સંસાર મ્હાલ્યો સંગ,

અલકાથી હું દૂર, તે સાલ્યો,

મને, લાગ્યો રંગ;

સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો!

આપણે રે પ્રિય, સામસામે, તીર,

ક્યારેય નહીં મિલાપ;

ગાશે જીવનજમુનાનાં નીર

વિરહનો વિલાપ!?

રે આયો આષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો!

બિરહમાં બાઢ લાયો!

રે આષાઢ આયો!

રસપ્રદ તથ્યો

અલકા : કુબેરની રાજધાની, કાલિદાસના મેઘદૂત કાવ્યમાં યક્ષ અલકા નગરીથી દૂર પોતાની પત્નીના વિરહમાં હોય છે એ સંદર્ભથી અહીં કાવ્યનાયકનો વિરહ દર્શાવાયો છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 151)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004