વિંછુડા ત્રોફાવ્યા
vinchhudaa trophavvaan
ઊજમશી પરમાર
Ujamshi Parmar
છાનાછપના વિંછુડા બઈ, રોમરોમ ત્રોફાવ્યા,
ક્યાંથી ધટધટ અંગારા મીં છાતી પર ચંપાવ્યા!
પગથી માંડી માથા લગ કૈં અરર્ સબાકો આવ્યો,
મીઠ્ઠી અકળ વલૂરે ઝલમલ ઝાંપો રે ખખડાવ્યો;
નકોર બીમાં કોણે આવા કુમળા કાંટા વાવ્યા?
સજન, ઝુરાપો આલે કેવા અગન તણા અણસારા,
માથે આ તે કરા પડે કે ધગધગતા અંગારા?
ભર ચોમાસે આ તે કેવા રૂંવેરૂંવે સળગાવ્યા?
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૬ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : નરોત્તમ પલાણ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1998