phulmal - Geet | RekhtaGujarati

[ઢાળ: ‘તોળી રાણી! તમે રે ચંપો ને અમે કેળ્ય’]

વીરા મારા! પંચ રે સિંધુને સમશાન,

રોપાણાં ત્રણ રૂખડાં હો...જી;

વીરા! એની ડાળિયું અડી આસમાનઃ

મુગતિનાં ઝરે ફૂલડાં હો... જી;

વીરા! તારાં ફૂલ રે સરીખડાં શરીરઃ

ઈંધણ તોય ઓછાં પડ્યાં હો... જી;

વીરા મારા! સતલજ નદીને તીર,

પિંજર પૂરાં નો બળ્યાં હો...જી;

વીરા! તારી ચિતામાં ધખધખતી વરાળ

નવ નવ ખંડે લાગિયું હો...જી;

વીરા! તારી નહિ રે જંપે પ્રાણઝાળઃ

ઠારેલી ભળે ટાઢિયું હો.... જી;

વીરા! તારા પંથડા વિજન ને અઘોરઃ

ઓરાણો તું તો આગમાં હો...જી;

વીરા! તારાં વસમાં જિગરનાં જોર:

લાડકડા! ખમા ખમા હો... જી;

વીરા! તારે મુખડલે માતાજી કેરાં દૂધ,

ધાવેલાં હજી ફોરતાં હો...જી;

વીરા! એવી બાળુડી ઉંમરમાં ભભૂત,

જાણ્યું તેં, જોગી, ચોળતાં હો...જી.

વીરા! તારા ગગને ઊછળતા ઉલ્લાસ,

દુનિયાથી દૂરે દોડવા હો... જી;

વીરા! તારે અચળ, હતાં વિશ્વાસ,

જનમીને ફરી આવવા હો...જી.

વીરા! તારે નો'તા રે દોખી ને નો’તા દાવ

તરસ્યોયે નો’તો રક્તનો હો...જી.

વીરા! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ,

માભૂમિ કેરા ભક્તનો હો...જી.

વીરા! તો ફાંસી રે નહિ, ફૂલમાળઃ

પે'રીને પળ્યો પોંખણે હો... જી;

વીરા! તારું વદન હસે ઊજમાળ,

સ્વાધીનતાને તોરણે હો...જી.

(1931)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997