વીસ વરસની ડાળખીનું ગીત
viis varasni dalkhinu giit
વિજય રાજ્યગુરુ
Vijay Rajyaguru
વિજય રાજ્યગુરુ
Vijay Rajyaguru
વીસ વરસની ડાળખી માથે સામટો બેઠો ફાલ!
હીંચકે ઝૂલે જોબન એની આંખડી લાલમલાલ!
એકમેકને અડકી ઊભી વાંસની વાંકી ટોળી,
જોડિયો પાવો કાનમાં ગુંજે, ધડકી ઊઠે ચોળી.
જોબન જોઈ પીગળી જતી ઝાડની જરઠ છાલ -
વીસ વરસની ડાળખી માથે...
હીંચકે અલ્લડ જોબન ઝૂલે ઝાડવે ઝૂલે ડાળી,
વાયરો ઠાલો થાય ભુરાંટો રેશમી સાળુ ભાળી.
છેલ છોગાળો નજરે તરે થાય ગુલાબી ગાલ -
વીસ વરસની ડાળખી માથે...
તડકો એની પરવાળા શી પગની પાની ચૂમે,
ઝાડનો છાયો આકળવિકળ અવળસવળ ઘૂમે.
પગની ઠેકે સૂરજની પણ બદલી જતી ચાલ -
વીસ વરસની ડાળખી માથે...
કોઠિયુંને મોંબંધણું બાંધે મનડું બાંધે કેમ?
હીંચકો હાલે કેટલું તોયે અંતર એમનું એમ!
વરણાગીનું વ્હાલ માગે વા જોબન સામે ઢાલ -
વીસ વરસની ડાળખી માથે...
સ્રોત
- પુસ્તક : જાળિયે અજવાળિયું (પૃષ્ઠ ક્રમાંક 23)
- સર્જક : વિજય રાજ્યગુરુ
- પ્રકાશક : રવિ - મંગલ પ્રકાશન
- વર્ષ : 2018
