Viday - Geet | RekhtaGujarati

એમ કરી યમદૂત હાલી રે નીકળ્યા, જીવતરનાં અંજળ ખૂટ્યાં રે રામ...

ઊંડા અંકાશે હાલ્યો રે હંસલો, ધરતીનાં સગપણ છૂટ્યાં રે રામ...

દાદા, તમારે આંગણિયે આંબલો, પંખીડું થઈ અમે આવ્યાં રે રામ

માતા, તમારે હૈયે હીંચોળ્યાં, અંતરનાં અમરત પાયાં રે રામ...

બાપુ, તમારા રઢિયાળાં રાજમોલ, કુંવરી થઈને અમે મ્હાલ્યાં રે રામ

બેની, તમારાં બોલકણાં બેનબા, મુંગાં મુંગાં આજ હાલ્યાં રે રામ...

વીરા, તમારી વાડીને મોરલા આવી આવીને ઊડી જાશે રે રામ

કેડીએ નોંધારી લંબાશે નજરું, ટીમણટાણું જ્યારે થાશે રે રામ...

સૈયર તમારલાં મધમીઠાં વેણલાં, સંભારી સંભારી રોશું રે રામ

સ્નેહિજન, તમને તો કહેવાનું એટલું જનમો જનમ વાટ જોશું રે રામ...

બોલ્યાંચાલ્યાં માફ કરજો અમારાં, ભવભવના મેળે મળશું રે રામ

ખેતર ને ખોરડાં, ઉંબરને આંગણું... ધરતીની ધૂળમાં ભળશું રે રામ...

અધવચ આયખું કરશે વિસામા, અમને તો જાણ એવી નોતી રે રામ

હળવા તે હાથે જીવને ઉપાડજો, જગનું મોંઘરું મોતી રે રામ...

એમ કરી જમદૂત હાલી રે નીકળ્યા, જીવતરનાં અંજળ ખૂટ્યાં રામ...

ઊંડા અંકાશે હાલ્યો રે હંસલો, ધરતીનાં સગપણ છૂટ્યાં રે રામ...

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ 1985 (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ