વેર્યાં મેં બીજ
verya me bij
મકરંદ દવે
Makrand Dave

વેર્યાં મેં બીજ અહીં છુટ્ટે હાથે તે
હવે વાદળ જાણે ને વસુંધરા.
કાંકર બિછાવેલી ટાકર પથારી ને
ઠીંગરાતાં બે ચાર થોરડાં,
અપવાસી ઊંધમૂંધ પોઢી’તી ભોમ અહીં
ખેંચી ખેંચીને નકોરડા;
આંબાનાં વન એની આંખોમાં સીંચ્યાં ને
સીંચ્યા મેં મઘમઘતા મોગરા.
એક દિન આકાશે હેલી મંડાશે ને
વરસાદી ઘણણશે વાજાં,
નીચે જુવાનડાંનાં જુલ્ફાં ઊછળશે ને
વેણીમાં ફૂલ હશે તાજાં;
એ રે ટાણે આ મારે હૈયે હોંકારતી
*ચાચરમાં ઘૂમશે ચિદંબરા.



રસપ્રદ તથ્યો
*ચાચર અટલે ચરાચર
સ્રોત
- પુસ્તક : ગુલાલ અને ગુંજાર (પૃષ્ઠ ક્રમાંક 85)
- સર્જક : મકરંદ દવે
- સંપાદક : ઈશા-કુન્દનિકા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2007
- આવૃત્તિ : (પુનર્મુદ્રણ)