veglii rhao jii miraat re - Geet | RekhtaGujarati

વેગળી રહો જી મિરાત રે

veglii rhao jii miraat re

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
વેગળી રહો જી મિરાત રે
રાજેન્દ્ર શાહ

મારી વેગળી રહો જી મિરાત રે,

મારે હળવી તે ચાલની નિરાંત રે.

હાંસડી કે હાર મારે હૈયે નહિ ધારવાં

ને બાજુબંધ, ડૂલ દૂર મેલું;

નાનેરી કેડનો જો'યે કંદોર,

નહિ ઝાંઝરને સૂર મન ઘેલું;

અરે આટલાની તે શી વિસાત રે.

ઈંડાંનો અંતરાય દૂર થિયો ને

પાંખ વીંઝે મરાલ માનઘેલો,

રે હવાનો ભાર કંઈ હોય

એને આભનોય મારગ સ્હેલો;

નહિ છાયા, નહિ અંધારી રાત રે.

જેનો જાગે છે મારા હૈયામાં કંપ

એવી વાણી પારથી આવે,

વાયરાનો વેગ મને ઓછો પડે જી

એવું હૈયું ભરાઈ જાય ભાવે,

મારી તેજની સોહામણી હો જાત રે.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી - માર્ચ ૨૦૧૦ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ