તારો સુનેરી રંગ જોઈ માન્યું
taaro sunerii rang joii maanyun
અનિલ જોશી
Anil Joshi

તારો સુનેરી રંગ જોઈ માન્યું કે સાંજ હવે રેલાતી જાય આસપાસમાં
મને કહેશો કે કોણ છે પ્રવાસમાં?
કોઈના તે મોકલ્યા રઝળ્યા કરીએ છીએ
ને કોઈએ ન અમને સમજાવ્યા.
સદીઓથી લંબાતો ચાલે પ્રવાસ, છતાં
લાગે નહીં કે ક્યાંક આવ્યા.
અરે આપી સભાનતાનું ઝેર, પછી આપણને વાવ્યા છે જીવતરના ચાસમાં
તારો સુનેરી રંગ જોઈo
તરણાંની ઓથ રહ્યા ડુંગર તૂટ્યા, ને હવે
ઝીલી ઝિલાય નહીં ઝીંક.
આંબાની ડાળીએથી ઊતરતા અંધારે
માણસ હોવાની મને બીક!
અરે, આપણી તે વેદના પાણીને મૂલ, અને આપણી ગણતરી ઘાસમાં
તારો સુનેરી રંગ જોઈo
ડેલીની બહાર કોઈ પગલાં સંભળાય નૈ
ખાલી એકાંતોને જોઈએ.
દીધા કમાડ મારા વાયરાથી ઊઘડે ને
મધરાતે જાગીને રોઈએ.
અરે, કોઈ કોઈ વાર અમે સુંદર દેખાઈએ. બસ. સૂરજના પડતા પ્રકાશમાં
તારો સુનેરી રંગ જોઈ માન્યું કે સાંજ હવે રેલાતી જાય આસપાસમાં
મને કહેશો કે કોણ છે પ્રવાસમાં?



સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, ૧૯૬૯ (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ