ક્ષણની સળી
kshannii salii
પ્રિયકાન્ત મણિયાર
Priyakant Maniyar

અમે તો ગીત ગાનારા
પ્રીત પાનારા
સાવ છલોછલ જઈએ ઢળી
પૂછીએ નહીં ગાછીએ નહીં મનમાં જઈએ ઢળી
કોઈના મનમાં જઈએ મળી.
આંખને મારગ અંદર જઈએ, ટેરવે કરીએ વાત,
સળગે સૂરજ આજ ભલેને નિતની શરદ રાત,
અમારે નિતની શરદ રાત,
આટલા ધગે તારલા એ તો વણ ખીલેલી મોગરકળી.
પુલ બનીને જલને જોવા ભીતર ઊપજે દાહ,
સરકી જાતી ટ્રેનના પાટા અંતર ભરતા આહ,
જાણીએ અમે કોઈની એવી વેદના વળી.
સાગરના એ ક્ષારથી છૂટા - આભથી અંતરિયાળ,
જલને વ્હેવું હોય તો પછી ક્યાંકથી મળે ઢાળ,
કાળની કંકુશીશી એમાં ચાંલ્લો કરવા ક્ષણની સળી
અમે ક્ષણની સળી.



સ્રોત
- પુસ્તક : આ નભ ઝૂક્યું (પૃષ્ઠ ક્રમાંક 308)
- સર્જક : પ્રિયકાન્ત મણિયાર
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2000