vednaa to ved - Geet | RekhtaGujarati

વેદના એ તો વેદ

vednaa to ved

ઉશનસ્ ઉશનસ્
વેદના એ તો વેદ
ઉશનસ્

વેદના એ તો વેદ રે ભાઈ,

વેદના વીંધ્યો વેદ.

કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ!

વેદના એ તો વેદ!

તત્ત્વતણું એ ટૂંપણું નાહીં,

કોરું, સાવ જ કોરું,

વેદના એ તો લીલા વાંસનું

કોમળ કાળજ કોર્યું;

ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ,

ફૂંક્યો વાંસળીવેધ. - વેદના૦

વેદના એ તો વેદથી મોટી,

વેદથી જૂની વાણ;

જોગી ન જાણે, ભોગી ન જાણે,

મરમી કોકને જાણ;

છોગું છડેચોક રાખે, પણ,

છાતીએ છૂપો છેદ. - વેદના૦

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 889)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996