vauthana karatak na mela nu geet : Pratham Drishti ae Prem - Geet | RekhtaGujarati

વૌઠાના કારતકીના મેળાનું ગીત : પ્રથમ દૃષ્ટિએ પ્રેમ

vauthana karatak na mela nu geet : Pratham Drishti ae Prem

દલપતરામ દલપતરામ
વૌઠાના કારતકીના મેળાનું ગીત : પ્રથમ દૃષ્ટિએ પ્રેમ
દલપતરામ

જ્યારે કારતકી પુનમ થાય, ભલો વૌઠામાં મેળો ભરાય;

લાખો લોક વિદેશથી આવે, વસ્તુ વિવિધ વેપારની લાવે.

લાડે આજ્ઞા માબાપની લીધી, જવા મેળે ત્યાંથી કુચ કીધી;

મે'લ્યો જે સમે સોરઠ દેશ, લાડે લીધો વેપારીનો વેષ.

લાડણીને છાની રીતે કા'વ્યું, મેળે આવવાનું ત્યાં ઠરાવ્યું;

લાડે લીધાં જવાહીર જોઈ, જેનું મૂલ કરી શકે કોઈ.

ધાર્યું નામ ઝુંઝોશા ઝવેરી, લાડે પાઘડી દીલ્લીની પ્હેરી;

કીધો મેળામાં જૈને મુકામ, તંબુ દેરા તણાવી તે ઠામ.

લાડણી નીજ સખિયોની સંગે, આવી મેળામાં અધિક ઉમંગે;

ગયાં દેવનાં દર્શને આપ, બેનો ત્યાં થયો પ્રથમ મેળાપ.

જોઇ લીધાં જવાહીર સાત, મૂલ પૂછતાં તો પૂછી વાત;

ઇશારતથી ઓળખિયાં જ્યારે, પ્રેમ ઉપજ્યો અંગોઅંગ ત્યારે.

પૂછવાની વાતો પૂછી લીધી, પળમાં તો પરીક્ષા કીધી,

પંખીએ જે કર્યાં'તાં વખાણ, દીઠું પ્રત્યક્ષ એજ પ્રમાણ;

મળ્યાં નેણની સાથે નેણ, મળ્યાં વેણની સાથે વેણ;

પેખી પ્રેમ બન્નેનો તે ઠામ, દે છે આશીષ દલપતરામ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 147)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002