સુન્દરમ્
Sundaram
વસન્ત–આજે વસંત ક્યાં છે?
એ મનમોજી હસંત ક્યાં છે?
રે મુજ સુક્કા લુખ્ખા નિતના
સાઇકલના રસ્તે?
શિરીષ ના, ગુલમોર અહીં ના,
આંબો ના, કોકિલ ટહુકત ના,
લતાકુંજ ના, પુષ્પપુંજ ના,
સાઇકલના રસ્તે.
માટીની ડામરની સડકે,
ફૂટપાથની પડખે પડખે,
ગટર, મકાન, દુકાન ધખધખે,
સાઇકલના રસ્તે.
ચિટકલ કાગળ, તડબૂચ છોડાં,
ઈંટ, માટી, આથડતાં રોડાં,
કદી ગધેડાં, ઘેટાં બોડાં,
સાઇકલના રસ્તે.
આ સડકે નગરે જ્યાં મિલ છે,
જીવનજંગ જહીં કાતિલ છે,
વસંત નોતરવો મુશ્કિલ છે,
સાઇકલના રસ્તે.
અહીં વાસ પેટ્રોલ તણી છે,
ધૂળગોટ મિલકેરી ધૂણી છે,
ચૈત્ર તા૫માં આંખ ચચણી છે,
સાઇકલના રસ્તે.
ચૈત્ર તાપમાં આંખ ચચણી છે,
પરસેવે મુજ પીઠ ભીની છે,
દર્દકથા દિલની છાની છે,
સાઇકલના રસ્તે.
સંધ્યા સૂની, સૂનો પથ છે,
સૃષ્ટિ સકલ થાકી વિશ્લથ છે,
પગ મારાની દુર્બળ ગત છે,
સાઇકલના રસ્તે.
એ ટાણે આ ધૂળિયા રસ્તે,
વેચે જ્યાં હોટેલ ચા સસ્તે,
વસન્ત આવ્યો મઘમઘ હસ્તે,
સાઇકલના રસ્તે.
દિવસે રજ છાંયો પસરંતા,
ઊંચા મૂળથી વાજ કરંતા,
કડવા કૈં લીમડા લહરંતા,
સાઇકલના રસ્તે.
સરી સાઇકલ પણ દિલ થંભ્યું,
તપ્ત નેત્ર ક્ષણ હરખે ભીંજ્યું,
અહો! લીમડે જગ શું રંગ્યું!
સાઇકલના રસ્તે.
વસન્ત આ અધૂરી જ અકારી,
માનવ-તરુ વિકસાવનહારી,
વસન્ત ઢૂંઢું વિશ્વવિહારી,
સાઇકલના રસ્તે.
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 96)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
