parewan - Geet | RekhtaGujarati

ઝૂકી ઝૂકી આભથી સારા

ઝીંકાતી આષાઢધારા,

ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;

નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!

જ્યારે ઝૂકી આભથી સારા

ઝીંકાતી આષાઢધારા.

જલભીંજેલી શિથિલ પાંખો

શીત સમીરે કેટલું ધ્રૂજે,

જાણે કોઈ દીપક બૂઝે

એમ રાતા રંગની આંખો-

પરે વળી વળી પોપચાં ઢળે,

ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!

કયારેય એમની કશીય ના હલચલ,

એવું શું સાંકડું લાગે સ્થલ?

નાનેરું તોય સમાવે એવડું તો છે નીડ,

ભીંસે છે તોય શી એવી ભીડ?

પાંખ પસારી સ્હેલનારાંનું

આકાશે ટ્હેલનારાંનું

મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી!

આખાયે આભને લાવી મેલવું શેમાં?

નાનેરું નીડે છે એમાં?

એની વેદના શું જાણતું નથી?

એથી એના દુઃખને નથી કયાંય રે આરા!

ઝીંકાતી જોરથી જ્યારે આષાઢધારા

ઝૂકી ઝૂકી આભથી સારા!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 3 – નિરંજન ભગતનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : જયન્ત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981