nabh wachche aa kayo khalasi - Geet | RekhtaGujarati

નભ વચ્ચે આ કયો ખલાસી....

nabh wachche aa kayo khalasi

ઉષા ઉપાધ્યાય ઉષા ઉપાધ્યાય
નભ વચ્ચે આ કયો ખલાસી....
ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે કયો ખલાસી

જળની જાળ ગૂંથે છે?!

જળ ગૂંથીને ઊભો થતાંમાં

ખેસ જરા ખંખેરે,

પલક વારમાં ગોરંભાતાં

નભને ઘનવન ઘેરે,

ફર-ફર ફર-ફર ફોરાં વરસે

જાણે કતરણ ખેરે,

નભ વચ્ચે કયો ખલાસી

જળની જાળ ગૂંથે છે?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે

જાળ ધીવરની ભાસે,

ફંગોળી ફેલાવી નાખી

મહામત્સ્ય કો ફાંસે,

અરે! પલકમાં મત્સ્ય ધરાનું

આભે ખેંચી જાશે!

નભ વચ્ચે કયો ખલાસી

જળની જાળ ગૂંથે છે?!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 374)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004