akashi aswar - Geet | RekhtaGujarati

આકાશી અસવાર

akashi aswar

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
આકાશી અસવાર
બાલમુકુન્દ દવે

ઊની રે વરાળો પહોંચી આભમાં

ધરતી પાડે રે પોકાર;

દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,

વા’લીડે કરિયો વિચાર:

આવે રે રાજાનો રાજા મેહુલો.

આવે રે દેકારા દેતો દખણે,

વરતે જયજયકાર;

છડી રે પોકારે વનના મોરલા,

ખમ્મા! આવો અનરાધાર:

આવે રે રાજાનો રાજા મેહુલો

છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,

ઝૂલે વીજની તલવાર;

અંકાશી ઘોડાના વાગે ડાબલા,

સાયબો થિયો છે અસવાર:

આવે રે રાજાનો રાજા મેહુલો,

નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,

ઊંચે હણેણે તોખાર;

એકના પડછંદા દૂજે જાગતા,

ધરતી-આભ એકાકાર:

આવે રે રાજાનો રાજા મેહુલો

સ્રોત

  • પુસ્તક : પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સર્જક : બાલમુકુન્દ દવે
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ