varsha nu vaat - Geet | RekhtaGujarati

વર્ષાની વાત ઘનઘેરી સાહેલડી! વર્ષાની...

ભીજી ભૂમિની ગંધ શી અનેરી, સાહેલડી! વર્ષોની...

મેઘછૂપી વીજ શી જાદુઈ સાહેલડી! વર્ષાની...

મઘમઘતી કેતકીની સૂઈ સાહેલડી! વર્ષાની...

વસી વાદળના વાયુમાં આવી સાહેલડી! વર્ષાની...

મોર કોયલ બપૈયે બુલાવી સાહેલડી! વર્ષાની...

રાણી દોહદવતી કો રાજે સાહેલડી! વર્ષાની...

આછાં આંજાણ આંખે આંજે સાહેલડી! વર્ષાની...

કોઈ કન્યાએ કોડથી જોઈ સાહેલડી! વર્ષોની...

કોઈ મુગ્ધાએ મોહિનીમાં રોઈ સાહેલડી! વર્ષોની...

ફરી પ્રૌઢાને યૌવન આવ્યાં સાહેલડી! વર્ષાની...

ભલાં ઘરરખુનેય ભરમાવ્યાં સાહેલડી! વર્ષાની...

કે વિજોગણના શ્વાસ રૂંધાયા સાહેલડી! વર્ષાની...

કોઈ મીરાંએ ઘનશ્યામ ગાયા સાહેલડી! વર્ષાની...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941