warsad bhinjwe - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વરસાદ ભીંજવે

warsad bhinjwe

રમેશ પારેખ રમેશ પારેખ
વરસાદ ભીંજવે
રમેશ પારેખ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે

હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે

અજવાળું ઝોકાર લેાહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક નહીં છાંટા રે વરસાદ ભીંજવે

દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે

ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધકેલો રે વરસાદ ભીંજવે

નેવાં નીચે ભડ ભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે

લીલોઘમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન વરસાદ ભીંજવે

કોને કોનાં ભાનસાન વરસાદ ભીંજવે.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989