રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરસવૃષ્ટિ
rasvrushthi
અમ્બર્ ગર્જે રે અમ્બર્ ગર્જે : સ્નેહ સૃષ્ટિની માંહ્યઃ
વીજ ચમ્કે રે વીજ ચમ્કે : મીઠા મેહુલાની માહ્યાઃ વીજo ટેક.
રસથી વ્યોમુભરાય, મીટો મેહુલો છવાય,
અભ્ર અભ્ર અંગ અંગ જામે આનન્દ અભંગ,
દિગ દિગન્ત બધા ય શાન્ત પ્રસન્ન દેખાય,
અંગ મ્હારાં રે અંગ મ્હારાં ઝુકે પ્રસન્નતા માંહ્યઃ વીજo
ઉભી જોડજોડ એહ, લાગી રમવાની લેહ,
કુદડી ફરે કૈં બાળ, ચૂમતી કંઈક ગાલ,
કંઈ હસી તાળી દેતી, કંઈ કર્ણ ગુંજ કહેતીઃ
એની ગુંજે રે એની ગુંજે ઉરે મસતી રેડાયઃ વીજo
અવિચ્છિન્ન આ શા રાસ, જામે અભ્રનો વિલાસ,
કૃષ્ણ મૂરતી શી એક વાજે મોરલી આલેક,
આસપાસ અભ્રનાર થમ્ભી જાતી વ્રજબાલઃ
ઉર થમ્ભે રે ઊર થમ્ભે કૃષ્ણ મોરલીની મ્હાંયઃ વીજo
થમ્ભે ઉદધિનું અંગ, થમ્ભે સરિતા તરંગ,
ઝાડપાનશૈલશૃંગ થમ્ભે ઉર્વી અંગ અંગ,
જડ ચેતનંતરીક્ષ દશે જામી જાતી દીશઃ
ઊર થમ્ભે રે ઊર થમ્ભે, હવે ધૂન ના સમાયઃ વીજo
મેઘ આભે ગરજન્ત, ઘોષ અવની ઝીલન્ત,
અનિલ્લહરી અનન્ત અનન્તોદધિ ઝીલન્ત,
ઊઠે ગર્જી ઝાડપાન સરિત્સરવર ચાગાનઃ
ઉર ગર્જે રે ઊર ગર્જે, ઊડે આનન્દની માંહ્યઃ વીજo
આભે વાદળાં રમન્ત, કેકા નૃત્ય ભૂ કરન્ત,
સિન્ધુ મોજ હારોહાર કરે નૃત્ય બેશુમાર,
મરુન્નુત્ય મીઠું લ્હાય, નૃત્યે નદી સરી જાય,
અન્તર્ મ્હારૂં રે અન્તર્ મ્હારું જામે નર્તનની માંહ્ય: વીજo
વૃક્ષ વૃક્ષ ડાળ ડાળ મળે પર્ણ પર્ણ ફાળ,
ચંચુ ચંચુ પાંખ પાંખ ખગ ભેટે આંખે આંખ,
સરવર ઊર્મિલ્હેર ભળે ગળે સ્હેર સ્હેર,
ઊંડે ઊરે રે ઊંડે ઊરે ઊર્મિ ઊર્મિ ભળી જાયઃ વીજo
વ્યોમ અખિલે છવાય મેઘ એકતાર થાય,
દિશા સર્વ રસરૂપ જ્યાં જ્યાં જોઉં ત્યાં અનૂપ,
શાન્ત ભવ્ય રસ માંહ્ય વાયુવેગ સૌ સમાય,
ઉર વેગો રે ઊર વેગો જોતાં જોતાં સ્થિર થાયઃ વીજo
જોઉં પર્વતની માળ, શીતળ શાંતિજમાવ,
જોઉં સરવર સરિત્, જોઉં સિન્ધુ એક ચિત્ત,
જોઉં વૃક્ષવેલ ફૂલ શાન્તિ જામી છે અતૂલ,
ઉર મ્હારૂં રે ઊર મ્હારું શાન્તિ માંહ્ય જામી જાયઃ વીજo
સ્રોત
- પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931