jarak jewi anglione ek bijaman sarkawine - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જરાક જેવી આંગળીઓને એક-બીજામાં સરકાવીને

jarak jewi anglione ek bijaman sarkawine

ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ
જરાક જેવી આંગળીઓને એક-બીજામાં સરકાવીને
ધ્રુવ ભટ્ટ

જરાક જેવી આંગળીઓને એક-બીજામાં સરકાવીને

ક્યાંક છાપરી નીચે બેસી જોયા કરીએ એવો છે વરસાદ

સાત ખોટના શબ્દોને પણ વાદળ પાછળ મૂકી દઈને

અવતારે પામ્યા તેને મોહ્યા કરીએ એવો છે વરસાદ

ઘર કહેવાતી છાપરીઓ કે ડુંગર ઘેર્યાં ઝાડ બંધાયે

આજ વરસતા જળ પછવાડે વરસે છે જો ઝાંખાંપાંખાં

નભની ટોચે દેશવટાના કાળા ઘોડે કુંવરજીની તેગ ફરે ને

ઝબકારામાં એકદંડિયા મહેલ જગે છે આખેઆખા

છબછબિયાંથી આજ સુધીના ગારાથી લઈ બટ્ટ-મોગરા

ફૂલ ભરેલા ચોમાસામાં હાથ હજીયે બોળ્યા કરીએ એવો છે વરસાદ

સૂરજ જ્યારે સંતાતો જઈ બીક ભરેલા અડાબીડ અંધારે

ત્યારે કેવાં એનું નામ કહીને મનમાં થપ્પો પાડી દેતાં

પણ ત્યાંથી નહીં નીકળે તોની શંકાએ મૌન રહીને

કિરણ જડે તો કહીશું માની ઊગી ટીસને દાબી દેતાં

તને ખબર છે મને ખબર છે એક સમયમાં કહેવી’તી

ને નથી કહી તે વાતો મનમાં બોલ્યા કરીએ એવો છે વરસાદ

સ્રોત

  • પુસ્તક : ધ્રુવગીત (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : ધ્રુવ ભટ્ટ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2021