gheghur abhman - Geet | RekhtaGujarati

ઘેઘૂર આભમાં

gheghur abhman

સંજુ વાળા સંજુ વાળા
ઘેઘૂર આભમાં
સંજુ વાળા

જી રે... ગોરંભા ઊમટ્યા ઘેઘૂર આભમાં

ઘેરા પડછંદા ડણકે આરંપાર રે

ઊંડે અજવાળાં તબકી-ઝબકી જાગતાં

જાણે ઝીણેરું ઝળકંતી તલવાર રે

ઘેરા પડછંદા ડણકે આરંપાર રે

તપતી માટીએ કીધી કંઈ કંઈ આરદા

ઊંચું ઝાંખે રે જળતળ થઈ’ને સાબદા

વેરી તૂટ્યાં તૂટ્યાં કાંઈ વચનું વાયદા

ક્યાંથી ચડશે ક્યાં ઢળશે ચતરંગ સાયબો

કોઈ અણસારો ઊગે ના લગાર રે

ઘેરા પડછંદા ડણકે આરંપાર રે

કેવા ગઢની કુંવરીયું કોણે નોતરી

અક્ષત-કંકુ લૈ ઊભી જે આગોતરી

દીધી જળના સ્વયંવરની કંકોતરી

કરશે લેખા-જોખા ’ને અક્ષર માંડશે

મોંઘા મૂલે મૂલવાશે મૂશળધાર રે

ઘેરા પડછંદા ડણકે આરંપાર રે

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - જાન્યુઆરી 2021 (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન