ભીડ્યાં ભીડાય નહીં એવા ખુલ્લાખમ બારણાનું વરસાદી-ગીત
bhiidyaan bhiidaay nahin evaa khullaakham baarNaanun varsaadii giit

ભીડ્યાં ભીડાય નહીં એવા ખુલ્લાખમ બારણાનું વરસાદી-ગીત
bhiidyaan bhiidaay nahin evaa khullaakham baarNaanun varsaadii giit
સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ'
Satishchandra Vyas 'Shabd'

ગીત એવું વરસાદ કૈંક ગાય છે
લીલ્લા તો ઠીક સાવ સૂકેલાં લાકડાંના બારણાની છાતી ફૂલાય છે.
વરસાદી વાયરામાં ખૂલેલાં બારણાં,
કો'ક દિવસ ડાળ થઈ ઝૂલેલાં બારણાં;
જંગલના બેકાબુ ઝાડ થઈ ઊભા છે : આપણાથી ક્યાં એ ભીડાય છે?
ગીત એવું વરસાદ કૈંક ગાય છે.
આખાયે આંબાને બે ફાડે ફાડીને;
ખીલા, મિજાગરાં સાલ વીંધ પાડીને,
મથ્યા'તા નકામા બારીમાં બાંધવા : કોઈનાથી ક્યાં એ બંધાય છે?
ગીત એવું વરસાદ કૈંક ગાય છે.
લીલ્લા તો ઠીક સાવ સૂકેલાં લાકડાંના બારણાંની છાતી ફૂલાય છે.
ગીત એવું વરસાદ કૈંક ગાય છે.



સ્રોત
- પુસ્તક : ઈદંતા (પૃષ્ઠ ક્રમાંક 37)
- સર્જક : સતીશચંદ્ર વ્યાસ 'શબ્દ'
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1996