અમે કહ્યા જે બોલ આવડ્યા તમે કહ્યું તે વાણી
ame kahyaa je bol aavadyaa tame kahyun te vaanii

અમે કહ્યા જે બોલ આવડ્યા તમે કહ્યું તે વાણી
ame kahyaa je bol aavadyaa tame kahyun te vaanii
ધ્રુવ ભટ્ટ
Dhruv Bhatt

અમે કહ્યા જે બોલ આવડ્યા તમે કહ્યું તે વાણી
તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી
અમે ધૂળિયા રસ્તે ચાલ્યા,
તમે ચમકતા આરસ મહાલ્યા
તમે ભણાવ્યા તો પણ અમને
કોઈ શબ્દ ક્યાં છે સમજાયા
અમે નાનકડી નીક વહ્યા ને તમે થયા સરવાણી
તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી
તમે કહો જે નભ છલકાયું
અમે કહ્યો વરસાદ
રત્નાકર ને અમે કહીએ
દરિયો અનરાધાર
તમે કહ્યાં જે જળ ઝળહળતાં અમે સમજતાં પાણી
તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

સ્રોત
- પુસ્તક : ગાય તેના ગીત (પૃષ્ઠ ક્રમાંક 89)
- સર્જક : ધ્રુવ ભટ્ટ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2016
- આવૃત્તિ : સંવર્ધિત ચોથી આવૃત્તિ