વરસાદ વિશે ગીત
Varsad Vishe Geet
જયન્ત પાઠક
Jayant Pathak
જયન્ત પાઠક
Jayant Pathak
આ વાદળ વરસ્યાં ડુંગરે
ને કાંઈ ખીણમાં ખીલ્યા મોર
ટહુકા હરેફરે રે લોલ!
આ અજ્જડ પ્હાડો ઓગળ્યા
ને કાંઈ જળજળ ચારેકોર
નદીઓ ડૂબેતરે રે લોલ!
આ આંખ મીંચી છે આભલે
ને કાંઈ અંધારું ઘનઘોર
ચપળા ચાળા કરે રે લોલ!
આ લથડે લદલદ વાયરો
ને કાંઈ દિશા નહીં, ના દોર
આડો અવળો ફરે રે લોલ!
આ રામગિરિ, અલકા પ્હણે
ને કાંઈ વચમાં શાપ નઠોર
વાદળ ઘૂમ્યાં કરે રે લોલ!
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 42)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
