વર તોરણ ચઢતાં વરઘોડામાં ગાવાનું ગીત, લાડણીના સંદેશાનું ગીત
var toran chadhtaan varghodamaan gaavaanun geet, Ladani na sandesha nu geet
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
રૂડું છે રાયજાદા રૂપ તમારૂં; રૂપ તમારૂં તે કામણગારૂં,
મોહ પામ્યું છે મન મારૂં, કેસરિયા લાલ, રૂડું છે રાયજાદા રૂપ તમારૂં.
કાગળ વાંચી મારૂં, કાળજું ઠરિયું, અંતરમાં વચને વચન ઉતરિયું,
તમને વરવાનું નક્કી કરિયું, કેસરિયા લાલ, રૂડું છે.
સુખ થશે જ્યારે સાહબો મળશે; મનના મનોરથ સુફળ ફળશે;
ત્યાં સુધી મન ટળવળશે, કેસરિયા લાલ, રૂડું છે.
જોશી મૂરખ જેણે લગન જોઈ આપ્યું; વ્હેલું ન આપ્યું ને વેગળું થાપ્યું;
વગર વિચાર્યું કેમ છાપ્યું? કેસરિયા લાલ, રૂડું છે.
ત્રીસ ઘડીનો દિવસ પ્રથમ ગણાતો; દિવસ દીસે છે વર્ષ જેવડો આતો;
શું કરૂં કેમે નથી જોતો, કેસરિયા લાલ, રૂડું છે.
જલદી પધારો મારી સાસુના જાયા; મુજને લાગી તમારા મુખડાની માયા;
કુરબાન કીધી મેં તો કાયા; કેસરિયા લાલ, રૂડું છે.
ચોંપ કરીને ત્યાંથી જાન ચલાવો; સાહબા આવી મારૂં શહેર શોભાવો;
વ્હાલા વેગેથી વ્હેલા આવો, કેસરિયા લાલ, રૂડું છે.
જે સતિ પતિ પૂરો સ્નેહ કરે છે; તેના ઉપર પ્રભુ રાજી રહે છે;
દલપત આશીષ દે છે, કેસરિયા લાલ, રૂડું છે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 150)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
