દલપતરામ
Dalpatram
ઢોલ ઢમક્યારે, વર વહુના હાથ મળ્યા,
હાથી ચમક્યારે, વર વહુના હાથ મળ્યા,
વાજાં વાગ્યાંરે, વર વહુના હાથ મળ્યા,
જનો જાગ્યારે, વર વહુના હાથ મળ્યા.
તોપો છુટીરે, વર વહુના હાથ મળ્યા,
બેડી ત્રૂટીરે, વર વહુના હાથ મળ્યા;
હૈડાં હરખ્યાંરે, વર વહુના હાથ મળ્યા;
પ્રેમે પરખ્યાં રે, વર વહુના હાથ મળ્યા.
જેમ સજ્જન સજ્જન સાથ મળ્યા,
એમ વર ને કન્યાના હાથ મળ્યા;
જેમ નદી ને નદીનો નાથ મળ્યા,
એમ વર ને કન્યાના હાથ મળ્યા.
જેમ દુધમાં સાકર જાય ભળી,
એમ વરને કન્યાની જોડ મળી;
જેમ ફુલમાં હોય સુવાસ વળી,
એમ વરને કન્યાની જોડ મળી.
જેમ કુંદનમાં જડી હીરાકણી,
એમ વર ને કન્યાની જોડ બણી;
જેમ ચંદ ને ચાંદની ચંદતણી,
એમ વર ને કન્યાની જોડ બણી.
જેમ શોભે છે લ્હેરો સાયરામાં,
એમ વર ને કન્યા શોભે માંયરામાં
જેમ શોભે શીતળતા વાયરામાં,
એમ વર ને કન્યા શોભે માંયરામાં.
જેમ સારસ શોભે સજોડે કરી,
એમ વર ને કન્યાની જોડ ઠરી;
જેમ ઇંદ્ર ઇંદ્રાણીની જોડ ધરી,
એમ વર ને કન્યાની જોડ ઠરી.
શોભે દેવ દેવી શણગાર સજી,
એવી વર ને કન્યાની જોડ ભજી;
વર કન્યાની જોડ અખંડ રહે,
રૂડી આશિષ દલપતરામ કહે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 150)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
