Kagalna Kodiyano Lidho Avtar - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાગળના કોડિયાનો લીધો અવતાર

Kagalna Kodiyano Lidho Avtar

રવીન્દ્ર પારેખ રવીન્દ્ર પારેખ
કાગળના કોડિયાનો લીધો અવતાર
રવીન્દ્ર પારેખ

કાગળના કોડિયાનો લીધો અવતાર

પછી દાઝયાથી દૂર કેમ રહીએ

ખોળિયાએ પ્હેર્યું જ્યાં પંખેરી નામ

પછી ટહુકાથી દૂર કેમ રહીએ....

ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલે

ને એનો છેડો ભીંજાય સૂકી રાખમાં

પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું

વરદાન મળે બળતા વૈશાખમાં

બળવું જો કાગળની હોડી થઈ જાય

ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ....

શ્વાસોની સળિયુંને ભેગી મેલીને

કોઈ બાંધે છે હૈયામાં માળો

ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન

એમ યાતનાને રંગ ફૂટે કાળો

ઘરને રે મોભ ચડી બોલે કાળાશ

પછી મરવાથી દૂર કેમ રહીએ....

સ્રોત

  • પુસ્તક : સરળ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2007