Vagade Ugek Koi Zaad Hou Em - Geet | RekhtaGujarati

વગડે ઊગેલ ઝાડ હોઉં એમ

Vagade Ugek Koi Zaad Hou Em

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
વગડે ઊગેલ ઝાડ હોઉં એમ
હરીન્દ્ર દવે

વગડે ઊગેલ કોઈ ઝાડ હોઉં એમ

મારે માથે ને હાથે

તીડ અને તમરાંઓ સાગમટે આવીને બેસે.

જાઉં જો ઉડાડવા, તો વ્હેતા વાયરામાં

ડાળીઓ હલે ની જેમ

થોડાં ઊડીને ત્યાં ર્હેશે.

તારાઓ આભ થકી ઊતરીને આવે

ને ગોઠડી ચકાવે છે

પાંપણના પલકારા સંગે,

જાતને જાણ થાય એમ

અહીં ઓચિંતુ ચારે દિશાએથી

અંધારું આખો મને રંગે,

આસપાસ ઝાડિયું તો લટિયાળા બાવાની જેમ

મારી સામે જુએ ને

હવે લાગે કે કંઈક કહી દેશે.

કાલ હજી કોરી કાળી માટી હતી ત્યાં

આજ ઊગતી સવારે ઝરે

ભીનાં તરણાંનો લીલો રંગ

ટાઢી એકલતાની ભીતરમાં જાગે ને

ને ઠેઠ સુધી લાગે છે

ક્યાંક કોઈ હૂંફાળો સંગ;

ચકલાઓ આવી અહીં મોતી ચૂગે છે

એમાં કૌતુંક કેવું ને કેવી વાત,

જરા પૂછો તો તરણાંઓ કહેશે!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1976 (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ