વડી પાપડ કરતાં ગાવાનું, બેન આવવા વિષેનું ગીત
vadi papad karata gavanu, ben aavva vishenu geet
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
કનકાવતી કહે સાંભળો સ્વામી, નણદી વિના નહિ શોભશે રે;
નગરીના જન પણ અવળું વિચારે, ક્યમ ન તેમાં નણદી શું હશે રે.
નણદીની આશીષે નવિનધ લૈએ, નણદી દુભાય તો નહિ ભલું રે;
સ્નેહ સહિત નિત્ય નણદીને નમિયે, ઉરમાં જાણું હું તો એટલું રે.
વાત કરે એમ ભાઈ ભોજાઈ, ત્યાં તો સમાચાર આવિયારે
ભાણેજાં સાથે બેની પધાર્યાં, બનેવી સહુને તેડી લાવિયા રે.
કનક કળશ રથ ઉપર ઝળક્યા, ઘુઘરમાળ ઘમકે ઘણી રે,
ત્યાં તો બનેવીના હણહણે ઘોડા, પડથી વાગે ઘોડલાતણી છે.
હળી મળી હરખ્યાં અન્યોઅન્ય અતિશે, મામીએ લીધાં ભાણેજ મીઠડાં રે;
ઉમંગે મળવાને પાડોશી આવ્યાં, બેનીને બહુ દહાડે દીઠડાં રે.
ભાવથી સાળો બનેવીને ભેટ્યા, સુખના સમાચાર પૂછિયા રે;
ખાંતથી ભાણેજને લઈ ખોળે, લૂગડે ગાલ બે લૂછિયા રે.
કનકેરાણે વળી બેનને કહિયું, આપ ભલે બેન આવિયાં રે;
આજ મારાં ઘર ઉજળાં દેખું, સારા સગાએ શોભાવિયાં રે.
ભોજાઈ નણદલને પગે પડિયાં, કહે નણદી સુખ પામજો રે;
દેખી આશીષ દીધી દલપતરામે, જગતમાં જશ બહુ જામજો રે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 141)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
