yaad nathi! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ

પછી રાત કે બપોર હતી, યાદ નથી;

કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી

રૂપેરી કોર હતી, યાદ નથી!

ચૈતરની રાતમાં તારી જુદાઈ

જાણે અગની પ્રગટે ને ઝાળ ક્યાંય ના;

લૂ-દાઝી લ્હેરખીમાં જઈ બેઠું મન કયાંક

તોયે દેખાય ડાળ ક્યાંય ના;

અમથા તો સાબદા થાય અહીં કોઈ

જરા અમથી ટકોર હતી, યાદ નથી.

પળમાં વરણાગીને પળમાં વેરાગી

-સાવ સીધાં ચઢાણુ, ઢાળ ક્યાંય ના,

બોરડીના જંગલમાં ભટકું છું રોજ, છતાં

પૂછો તો મારી ભાળ ક્યાંય ના,

આમ તો સવાર-સાંજ સરખાં ને તોય

વેળા આથમણે પ્હોર હતી, યાદ નથી.

(જુલાઈ ૧૯૭પ)

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 2