wadlionun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાદળીઓનું ગીત

wadlionun geet

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
વાદળીઓનું ગીત
બાલમુકુન્દ દવે

અમે સરખી ને સાહેલી બે’ન,

ઝરમર ઝરમર ઝરમરિયાં;

અમે જળ ઝીલવાને ચાલી બે’ન,

ઝરમર ઝરમર ઝરમરિયાં.

અનંતની ઈંઢોણી કીધી,

તે પર આશા-ગાગર લીધી;

વિરાટની કેડીને પીધી,

પાંપણને પલકારે બે'ન,

તેજ-તિમિરની ધારે બે’ન,

ઝરમર ઝરમર ઝરમરિયાં.

ટીલડીએ તારલિયા ટમકે,

વેણીએ વીજલડી દમકે,

ઝરણાંનાં ઝાંઝરિયાં ઝમકે,

સાતે રંગ ઝબોળી બે’ન,

પહેર્યાં ચણિયાચોળી બે’ન,

ઝરમર ઝરમર ઝરમરિયાં.

વનવગડાને વીંધી ચાલ્યાં,

ગુલાબની પાંદડીએ મા'લ્યાં,

ઝરમરિયાં ઝોળીમાં ઘાલ્યાં

શે'ર, ગામ ને પાદર બે’ન,

અર્પી ઉરના આદર બે’ન,

ઝરમર ઝરમર ઝરમરિયાં.

સ્રોત

  • પુસ્તક : બૃહદ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010